મઢડા સંમેલન(તા.૫-૫-૧૯૫૪)

૫-૫-૧૯૫૪

પૂ.માતાજી : આગળના જમાનામાં ચારણો દેવ કહેવાતા હતા. દેવ એટલે કે જેનામાં સત્વ ગુણ હોય, શુદ્ધ આચાર હોય, ભજન પૂજન હોય તે દેવ. જેનામાં આ બધા શુભ લક્ષણ હોય તે ચારણ. પછી શંકરદાનજી રચિત કવિતા બોલ્યાં.

સંસારમાં સુખ પામવા, કંગાળનું દુઃખ કાપવું,

યાચક અતિથિને યથા શકિત, દાન અન્નનું આપવું

પ્રમુખશ્રી ભગતબાપુ:મહાભારતમાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનનો મોહ મટાડયો. કાયમ પાસે રહેવા છતાં પૂણ્યનો ઉદય ન થાય ત્યાં સુધી સાચી વસ્તુને ઓળખી શકાતી નથી. પૂ.આઈમાંને પણ આપણે કેટલાં વર્ષે ઓળખ્યા?

ચારણો વિષે જુની વાતો જુનાં વર્ણનો વાંચ્યા, સાંભળ્યાં ત્યારે વિચાર આવતો કે ચારણોની વિશિષ્ટતા શું ? કવિપણું, દેવોની જેમ વિમાનોમાં ફરવુ ત કે તપસ્વીપણું કે બીજું કંઈક ! પણ બહુ વિચારનાં અંતે – સમજાણું કે ‘ચારણ’ જ્ઞાતિમાં દર સૈકે પૂ.સોનલમાં જેવાં મહાશકિતઓ અવતરે છે.એ જ ચારણ જાતિના સત્વની વિશિષ્ટતા. આવી મહાનશકિતઓને ઓળખવાની દૃષ્ટિ જોઈએ. ઘૂવડને તો સૂરજ જોવો જ નથી.

આખો જાય અવતાર, આઈમાં ઈત્તડીઓ તણો,

પણ ઘોળા પયની ધાર, કદી ન ભાળે કાગડા.

પૂ.આઈમાંનો જન્મ આપણા ઉદ્ધાર માટે છે. એમને આપણે ખરા સ્વરૂપમાં ઓળખીએ, શ્રદ્ધાથી એમના વચનોનું પાલન કરીએ. પૂ.માતાજીએ આપણું બાવડું પકડયું છે. પણ આપણે નીતિ નિયમ પાળવા જોઈએ. આપણે એમની આજ્ઞા પ્રમાણે ન વર્તીએ અને કહીએ કે માં, તમે અમારુ ભલુ કરો એ કેમ બને ? દરેક ચારણની ફરજ છે કે માને પ્રિય હોય તે આપ. કર્તવ્ય.

મારી વિનંતી છે કે આ જ્ઞાતિ ગંગાના સંમેલનમાં આવ્યા છો તો બધા મેલ ધોઈને જજો. હૈયું ઉજળું કરવા ફંડમાં કંઈક જરૂર આપજો. આપણે આ મઢડાનાં તીર્થ સ્થાનમાંથી ખાલી હાથે પાછા ન જઈએ એનું સૌ ધ્યાન રાખજો. પૂ.આઈમાંએ આજ્ઞા કરી તે મુજબ ‘માંગ્યા મુકત ફળ મળે, પણ ભીખને માથે આપણો એક રૂપિયો બીજાના લાખ રૂપિયા જેવો છે. અયોગ્ય વર્તનનો કેવળ નિરર્થક વાચાળપણાનો ત્યાગ કરીએ. બીજા કોઈના પર આધાર રાખવા કરતાં પોતાની ઉન્નતિ માટે પોતે જ કામ કરીએ, ભોગ આપીએ.

પૂ.માતાજી : આપણા વડવાઓના જીવનમાં ત્યાગની ભાવના હતી તે આપણે કેળવીએ. સંસારમાં સારાં કામો કરી કર્મયોગી થવું. યશ મેળવવો, બીજું ચારણોમાં ઈર્ષ્યા અને નિંદાનું તત્વ બહુ છે. મહાભારતનો દાખલો સમજવા માટે છે ઈર્ષ્યા કાઢી નાંખવી, પુરુષાર્થના ફળોનો સહુને લાભ આપવો.

મને ઉડે ઉડે શંકા છે કે મારું આયુષ્ય ઓછું છે. મારી ફરજ તો મારે બજાવવાની છે, પરંતુ કોઈનો ઉદ્ધાર બીજું કોઈ કરે તેમ હું માનતી નથી. નાતમા મારા હરવા–ફરવાથી વાતાવરણ સુધરી જશે એવું નિશ્ચિતતીતો ન કહી શકાય. છતાંય મારા માટે તો તે એક તિર્થ યાત્રા છે. જ્ઞાતિ પણ ગંગા છે અને એ ગંગાનું સમગ્ર દર્શન તો ગામડે ગામડે અને ઝુંપડે ઝુંપડે ફરવાથી થાય. આથી મારા આયુષ્યનો બની શકે તેટલો બધો સમય જ્ઞાતિ સેવામાં વાપરવાનું હું વચન આપુ છું.

પૂ.ભગતબાપુ : હું પૂ.માંને વિનંતી કરું છું કે આપ અમને સૌને આશીર્વાદ આપો કે અહીં આવેલા ભાઈઓમાંથી કોઈ અહીંથી મળેલ સંસ્કાર ન છોડે. શકિતનો ધોધ અને તે પણ ઉંચે ઉડતા ફુવારાના રૂપમાં હોય એમાંથી બળ, કલ્પના, આનંદ અને જીવન બધુંય મળે. હું પૂ.માને વિનવું છું કે,એવો કોઈ અભાગીઓ ચારણ ન રહે જે આપની અમત વર્ષાથી બહાર રહે આપણે માતાજીના ખોળામાં બેઠા છીએ, છતાં દુઃખી કેમ ? એનો ખુલાસો એટલો કે માતાજીએ તો આપણું બાવડું પકડેલ છે પણ આપણે જ બાવડું છોડાવીને ભાગી નીકળ્યા છીએ. હવે આપણે આપણાં પાપોનું પ્રાયશ્ચિત કરીએ, શુદ્ધ થઈએ એટલે માતાજી ફરીથી આપણને ખોળામાં લેશે.

પૂ.માતાજી : આજે અમારા અહોય કે જ્ઞાતિ ગંગાનાં દર્શન થયાં. ઘણા દિવસની ઇચ્છા હતી તે આજે પૂરી થઈ. તમે સૌ તકલીફ વેઠીને અહીં પધાર્યા, તે માટે તમારા સૌનો આભાર માનું છું. ‘જગત જનનીના આશીર્વાદ છે કે ચારણોની હવે ચડતી થવાની છે ! તેની સૌ ખાત્રી રાખે, તમે સૌ પ્રેમથી ભેળા મળ્યા છો ત્યાં જરૂર સારું પરિણામ આવશે. તમે સૌ એવા ઠરાવ ઘડજો કે જેથી જ્ઞતિ આગળ વધે.

નોંધ : ‘ચારણ’ના અંકોમાંથી વર્ષો પહેલાં ટપકાવેલા

પૂ.માતાજીનાં મોઢેથી બોલાયેલ સંજીવની શબ્દો સર્વદા ચારણ સમાજને પ્રેરણા આપે.

સુરેન્દ્રનગર

તા.૧૭–૭–૨૦૧૬ (પી.પી.બોક્ષા)