કાગધામમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

૧૭/૦૩/૨૦૨૧

ગત તા.૧૭ માર્ચના રોજ કાગધામ (મજાદર)ખાતે પ્રતિવર્ષ મોરારિબાપુની નિશ્રામાં યોજાતો ‘કવિ કાગ એવોર્ડ’ અર્પણવિધિનો કાર્યક્રમ યોજાઈ ગયો. દુલાભાઈ કાગની ૪૪મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ‘ચારણી સંસ્કૃતિના સ્વજનો’ ઉપરાંત ડો.અંબાદાન રોહડિયા લિખિત બે મળી કુલ ત્રણ પુસ્તકોનું વિમોચન મોરારિબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. રાત્રિના બારથી વહેલી સવારના ત્રણ સુધી જાણીતા કલાકારોએ લોક્સાહિત્યની રસલહાણ રજૂ કરી હતી. દુલાભાઈ કાગની પુણ્યતિથિ નિમિત્તે ૨૦૦૨થી મોરારિબાપુ પ્રેરિક ‘કવિ કાગ એવોર્ડ’ એનાયત કરવામાં આવે છે. ચાલુ વર્ષે ડોળિયાના ગીગા બારોટ અને મનુભાઈ ગઢવીને મરણોત્તર તેમજ ડો.બળવંત જાની, કાશીબેન ગોહિલ, યોગેશ બોક્ષા અને નાહરસિંહ જાસોલ મળી કુલ છ વ્યકિતનું કાગ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનપત્ર, શાલ, રામનામી અને રૂા.એકાવન હજારની ધનરાશિ સાથે પ્રત્યેક વ્યકિતનું મોરારિબાપુએ સન્માન કર્યું ત્યારે ઉપસ્થિત મેદનીએ આ પ્રસંગને વધાવી લીધો હતો. સતત બે દાયકાથી યોજાતા આ કાર્યક્રમમાં બોલતાં મોરારિબાપુએ કહ્યું કે સાહિત્ય સિનિજયર કે જુનિયર નહીં, પણ સદૈવ પ્રીમીઅર હોય છે. બે જાણીતા કલાકારો શાહબુદ્દીન રાઠોડ અને ભીખુદાનભાઈ ગઢવીએ ‘કાગને ફળિયે કાગની વાતો’ અંતર્ગત દુલાભાઈ કાગના જીવનના વિવિધ પ્રસંગો તેમજ રચનાઓની રસાળ શૈલીમાં સમજૂતી આપી હતી. બપોરના અને રાતના કાર્યક્રમનું સંચાલન ડો.બળવંત જાનીએ કર્યું હતું.

રાતના સન્માનવિધિ બાદ રાજુલ દવે સંપાદિત ‘ચારણ સંસ્કૃતિના સ્વજનો’ અને ડો.અંબાદાન રોહડિયા લિખિત ‘ચારણી સાહિત્યઃ વિવિધ સંદર્ભે’ અને ‘લોકસાહિત્યઃ વિવિધ સંદર્ભે મળી કુલ ત્રણ પુસ્તકોનું વિમોચન મોરારિબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજુલ દવેએ ત્રણે પુસ્તકોનો પરિચય આપ્યો હતો. ‘ચારણ સંસ્કૃતિના સ્વજનો’ પુસ્તકમાં, ‘ચારણ સંસ્કૃતિ’ સામયિકના અત્યારસુધીના અંકોમાં પ્રસિદ્ધ થયેલ ૬૮ દિવંગત વ્યકિતઓનો પરિચય આપવામાં આવ્યો છે. કુલ ૪૮ લેખકોએ આ પરિચય લખેલ છે, પરિણામે લખાણોમાં શૈલીની વિવિધતા જોવા મળે છે.

મોરારિબાપુએ પુસ્તકોના વિમોચન પછી પોતાની પ્રસન્નતા વ્યકત કરી હતી. તેમણે કહ્યું કે ‘મને ચારણ પ્રત્યે પક્ષપાત છે, કારણકે તેનામાં કંઈક છે.’ બાપુએ કહ્યુ કે. કોરોના કાળમાં પણ કાગના ફળિયે બહોળી સંખ્યામાં લોકો આવ્યા છે. ભગતબાપુની ચેતના જયાં હોય ત્યાં કોરોના શું કરી શકે? યુવાનોને સંબોધીને બાપુએ કહ્યું કે તમે પ્રગતિ કરશો એટલે ઈર્ષાળુઓ ખૂબ આવશે અને ઈર્ષાળુ આવે એ જ તમારી પ્રગતિ છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરના છેલ્લા વર્ષોમાં તેમની રચનાઓની ટીકા થતી, એટલે કોઈમિત્રે કવિવરને પૂછયું રવીન્દ્રનાથ ટાગોરે માર્મિક જવાબ આપ્યો હતો કે ‘મને વૃદ્ધાવસ્થા આવી છે, એટલે શરીરમાં પાનખર છે, પણ મારી રચનાઓ મારું ફળ છે અને ફળને પથ્થર ખાવા પડે છે.’

સમગ્ર દિવસ દરમ્યાનના આ કાર્યક્રમાં વી.એસ. ગઢવી, રામભાઈ જામંગ, ગોપાલભાઈ પટેલ, કીર્તિદાન ગઢવી, મયાભાઈ આહીર, પુષ્પદાનભાઈ ગઢવી, ચીમનભાઈ વાઘેલા, રતિલાલ દવે સહિતના અગ્રણીઓ, કલાકારો અને સાહિત્યપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની સફળતા માટે બાબુભાઈ કાગ, દેવસુરભાઈ કાગ અને સમગ્ર કાગ પરિવારે જહેમત ઊઠાવી હતી.